Sunday, January 16, 2011

દોષ શું અંધારને દેવો ‘ગિરીશ’?

અત્યાર સુધી કુંવારો જ રહ્યો છું, કારણ કે જીવનસાથી જો મારા રસ-રુચિ પ્રમાણેની ન મળે તો મારી જિંદગી નર્ક જેવી બની જાય. એના કરતાં તો એકલા સારા!

કોલેજમાં બપોરની ‘રિસેસ’ પડી. અન્ય છોકરા-છોકરીઓ કેન્ટીન તરફ ગયાં, પણ મિસરી કોલેજની બહાર રસ્તાની પેલી બાજુ પર આવેલી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તરફ ચાલવા માંડી. અંદર જઇને એણે ચિંતન વિષયક એક પુસ્તક પસંદ કર્યું. ગ્રંથપાલના રજિસ્ટરમાં પુસ્તકનું નામ અને લીધાની તારીખ દર્જ કરાવતી હતી, ત્યાં જ બાજુમાંથી અવાજ આવ્યો, ‘સર થોરોનું વોલ્ડન છે ને? સુંદર પુસ્તક છે. વાંચવાની મજા આવશે.’


મિસરીએ માખણ જેવો ચહેરો ઘુમાવ્યો. જોયું તો બાજુમાં એક યુવાન મલકી રહ્યો હતો. એ ભલે શ્યામ રંગનો હતો, પણ નમણો દેખાતો હતો. એના બોલવામાં અને વર્તનમાં સંસ્કારિતા ઝલકતી હતી. અને મહત્વની વાત એ હતી કે એ ‘વોલ્ડન’ જેવા અઘરા પુસ્તક વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યો હતો. ‘તમે આ પુસ્તક વાંચેલું છે?’ મિસરીએ આંખોમાંથી અહોભાવ છલકાવતાં પૂછ્યું.‘હા, જ્યારે હું દસમા ધોરણમાં હતો ત્યારે વાંચ્યું હતું.’

‘દસમામાં? બાપ રે! હું જ્યારે દસમું ભણતી હતી ત્યારે તો હજી સરસ્વતીચંદ્ર, મળેલા જીવ અને ઝેર તો પીધાં જાણી-જાણી વાંચી હતી!!’‘એ બધું મેં પાંચમા ધોરણ સુધીમાં પતાવી નાખ્યું હતું. ર.વ. દેસાઇ, ધૂમકેતુ, પન્નાલાલ, મેઘાણી અને દર્શકને તો વાંચવા જ પડે ને! એ બધાં આપણી ભાષાના ઘરેણાં છે.’ યુવાને વિનમ્રતાપૂર્વક સ્વીકાર્યું. ‘પણ આવા કીમતી ઘરેણાં પાંચમા ધોરણમાં?! એ ઉંમરે તો અડૂકિયો-દડૂકિયો અને છકો-મકો વાંચવાની ઉંમર ગણાય!’

છકો-મકો તો પહેલા-બીજા ધોરણના સાથીદારો! જો એમાં જ અટવાઇ જઇએ તો પછી ઓ હેનરી, એન્ટન ચેખોવ, વિકટર હ્યુગો, મોંપાસા અને શેકસપિયર ક્યારે વાંચવાના?! પણ જવા દો એ બધી વાતો! તમારે મોડું થતું હશે. સાહિત્યના સાગરને રિસેસની ગાગરમાં નહીં સમાવી શકાય.’

મિસરીની આંખો પહોળી થઇ ગઇ, ‘એટલે? તમને એ વાતનીયે જાણ છે કે હું સામેની કોલેજમાં ભણું છું અને રિસેસમાં...?’‘એટલું જાણવા માટે બહુ તેજસ્વી દિમાગની જરૂર નથી, મિસ મિસરી મહેતા! આ લેટેસ્ટ ફેશનનો ડ્રેસ, હાથમાં પકડેલી નોટબુક અને ટેબલ પર પડેલું તમારું મેમ્બરશિપ-કાર્ડ, આટલું કાફી છે. નિરીક્ષણ અને તર્ક જરૂરી છે. યુવાન અદબપૂર્વક સહેજ ઝૂકીને, શાલીનતાભર્યું સ્મિત ફરકાવીને ચાલતો થયો. મિસરી અંજાઇ ગયેલી હાલતમાં કેટલીક વાર સુધી ત્યાં ને ત્યાં જ ઊભી રહી ગઇ. જ્યારે ભાનમાં આવી ત્યારે એને ભાન થયું કે આવા સાહિત્યપ્રેમી યુવાનને એનું નામ પૂછવાનું તો ભૂલી જ ગઇ!

****

‘મારું નામ મધ્યાહ્ન માવાણી. હું કોલેજમાં સ્પોર્ટ્સ ટીચરની જોબ કરું છું. તમે સાયન્સ કોલેજમાં છો, હું આટ્gસ કોલેજમાં છું.’ ચાર દિવસ પછી ફરીથી બંને જણાં લાઇબ્રેરીમાં મળી ગયાં. મિસરીએ નામ પૂછ્યું, જવાબમાં યુવાને અડધો બાયોડેટા આપી દીધો.‘તમે સ્પોર્ટ્સ ટીચર છો?! અને તેમ છતાં સાહિત્યનો આટલો છંદ?!’

‘એમાં આશ્ચર્ય જેવું શું છે! તમે સાયન્સના વિદ્યાર્થિની થઇને ચિંતનનાં પુસ્તકો નથી વાંચી રહ્યાં?’ મધ્યાહ્ને એના શુદ્ધ તર્ક વડે મિસરીની બોલતી બંધ કરી દીધી. પછી મૂળ વાત ઉપર આવ્યો, ‘આ વખતે કર્યું પુસ્તક લઇ જવાના છો?’‘જર્મન સાહિત્યકાર ગેટેનું કોઇ પુસ્તક મળી જાય તો...’

‘ના, ગેટે હવે આઉટ ઓફ ડેટ થઇ ગયો છે. તમારે જર્મનીનો જ સાહિત્યકાર વાંચવો હોય તો શિંગ્લરને પસંદ કરો! એનો વાર્તાસંગ્રહ ‘ધી હેવન્લી લવ’ લઇ જાવ! એ ઓછો જાણીતો છે, પણ વર્લ્ડ કલાસ છે. તમે ચેખોવ અને મોંપાસાને ભૂલી જશો!’‘અને તમને યાદ કરીશ... જો એ પુસ્તક મને ગમી જશે તો!’ મિસરી સાકર જેવું મીઠું હસી પડી. પછી કબાટ તરફ વળી ગઇ. જોકે એને શિંગ્લરનું લખેલું એક પણ પુસ્તક ન જડ્યું, પછી એ ના છુટકે ફ્રેંચ રિવોલ્યુશનનો ઈતિહાસ લઇને ચાલતી થઇ. પગથિયાં પાસે મધ્યાહ્ન જાણે એની પ્રતીક્ષા કરતો ઊભો હતો! ‘તમને વાંધો ન હોય તો થોડી વાર આપણે કોફીશોપમાં બેસીશું? મને ખબર છે કે આજે તમે રિસેસની મર્યાદા લઇને નથી આવ્યાં. કોલેજમાં આજે હાફ-ડે-હોલિડે છે.’

‘પણ કોફીશોપમાં...?’‘ડોન્ટ વરી! હું તમારી સાથે રોમાન્સ કરવા માટે તમને નથી લઇ જતો, હું તો તમને સાહિત્યની ચર્ચા માટે લઇ જઇ રહ્યો છું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ...’ મધ્યાહ્ને એવી રીતે કહ્યું કે મિસરી ના ન પાડી શકી. એ મુલાકાત અડધાને બદલે અઢી કલાક સુધી ચાલી. મિસરી માટે એ જિંદગીનો સર્વશ્રેષ્ઠ અનુભવ બની ગયો. મધ્યાહ્ન એને કોફીશોપમાં બેઠા-બેઠા જ પૂરા વિશ્વની સફરે ઉપાડી ગયો. મિસરી પોતે સાહિત્યની જબરદસ્ત વાચક હતી, એની જિંદગીનો એકમાત્ર શોખ જ આ હતો. પણ એણે કાન પકડી લીધા, ‘મધ્યાહ્ન, તમે તો મને માત કરી નાખી. આટલું બધું વાંચવા માટેનો સમય તમે ક્યાંથી કાઢો છો?’

‘સમય કાઢવો નથી પડતો, મિસરી, સમય મળી રહે છે. હું સ્પોર્ટ્સ ટીચર છું. રોજના પાંચ કલાક ટેનિસ, બેડમિંટન અને હોકી-ફૂટબોલના ખેલાડીઓ સાથે માથાપચ્ચી કરી લીધા પછી ઘરે આવીને હું રીલ્કે અને શેલીની દુનિયામાં ખોવાઇ જાઉં છું. અહીં હું એકલો જ રહું છું. મેં પાનના ગલ્લે ટોળટપ્પાં મારવાનાં કે ટી.વી. સામે બેસી રહેવાના ‘રજવાડી’ શોખ પાળ્યા નથી. અત્યાર સુધી કુંવારો પણ એ જ કારણસર રહ્યો છું. જીવનસાથી જો મારા રસ-રુચિ પ્રમાણેની ન મળે તો મારી જિંદગી નર્ક જેવી બની જાય.

એના કરતાં તો એકલા સારા!’ મિસરી આ પુરુષ ઉપર ઓળઘોળ થઇ ગઇ. હૃદયને પળવાર માટે થંભાવી દઇને પૂછી બેઠી, ‘એક પ્રયત્ન કરવામાં શું જાય છે? શક્ય છે કે તમારી કક્ષાએ પહોંચી શકે એવી જીવનસંગિની મળી પણ જાય.’ મધ્યાહ્ન ચમકીને મિસરીની સામે જોઇ રહ્યો. પછી જોતો જ રહ્યો. સાહિત્યને વરેલી એક મુગ્ધા પોતાની આંખોમાં મહુડાનો પહેલી ધારનો દેશી દારૂ છલકાવતી એને લલચાવી રહી હતી અને એને સૂધ પણ ન રહી કે ક્યારે પોતે આ મિસરી નામની મધુશાલામાં ડૂબી ગયો!

****

લગ્નનાં ત્રણ વર્ષ પૂરાં થઇ ગયાં. મિસરીની અનિચ્છા છતાં ઉપરાછાપરી બબ્બે બાળકો પેદા થઇ ગયાં. ચોથું વરસ બેઠું અને મધ્યાહ્ને પોત પ્રકાશ્યું, ‘મારે આ વરસે ત્રીજું બાળક જોઇશે. દસ વરસમાં અડધો ડઝન બચ્ચાં તો પેદા કરવાં જ છે. તારા જેવી સુંદર પત્ની હોય પછી મારે બીજું શું કરવાનું હોય!’

‘અરે! હું કંઇ બાળકો પેદા કરવાનું મશીન થોડી છું? અને આપણે તો સાહિત્યના શોખના લીધે ભેગાં થયાં છીએ...’‘છોડ એ બધી વાહિયાત વાતો! મારે તો તને ગમે તેમ કરીને પાડવી હતી, એટલે મેં સાહિત્યનું નાટક કર્યું’તું’! મેં જિંદગીમાં એક લઘુકથા પણ વાંચી નથી. તને જીતવા માટે પચીસ-પચાસ દેશી-વિદેશી લેખકોનાં નામો ગોખી નાખ્યાં હતાં. હવે કાન ખોલીને સાંભળી લે! કાલથી છાપું મગાવવાનું પણ બંધ કરી દઉં છું.

મધ્યાહ્ન તો મારું બનાવટી નામ છે, અસલમાં તો હું મકન માવાણી છું. તને જોઇને પાગલ થઇ ગયો. હવે તું ક્યાં જવાની છે? બસ, આખી જિંદગી હું તારા મધના ઘડા જેવા શરીરના ઘૂંટડા ઉપર ઘૂંટડા ભર્યા કરીશ. લોકોને તો સાહિત્યના વાંચનથી ફાયદો થતો હશે, પણ મને તો એના નામથી પણ ફાયદો જ ફાયદો છે.’

No comments: