આશિક સ્તબ્ધ થઇ ગયો, જો આ સુગંધ પર્ફ્યૂમની નહોતી તો પછી શેની હતી?! આ શ્યામલ સુંદરીની તરબતર કાયામાંથી ફેલાતી દેહસુગંધ હતી? એ જ ક્ષણે આશિકે નિર્ધારકરી લીધો કે જો પરણવું તો આ સુગંધના દરિયાને જ! નહીંતર જિંદગીભર કુંવારા રહેવું.
‘ચાલો! ચાલો! બોટ ‘હાઉસફુલ’ થઇ ગઇ! હવે મહેરબાની કરીને એક પણ માણસને બેસાડતા નહીં...’ આશિક અંધારિયાએ બોટચાલકને આદેશાત્મક અવાજમાં કહ્યું. સૌરાષ્ટ્રના ગામડાનો શહેરની કોલેજમાં ભણતો યુવાન આશિક અંધારિયા દિવાળીની રજાઓમાં સાપૂતારાની સહેલગાહે નીકળ્યો હતો. સાથે મમ્મી-પપ્પા અને નાની બહેન પણ હતાં.
આખા દિવસનું ‘સાઇટ સીઇંગ’ પતાવીને ઢળતી સાંજે સાપૂતારાના રમણીય તળાવમાં નૌકાવિહાર માટે જઇ પહોંચ્યાં. લાંબી કતારમાં ઊભાં રહ્યાં. ટિકિટો લીધી. ચાર-પાંચ હોડીઓમાં ભાગે પડતાં માથાંઓ વહેંચાઇ ગયાં. હોડી હાઉસફુલ થઇ ગઇ. ત્યાં કાંઠા પરથી એક અવાજ આવ્યો,’ અય્યો...યો...! અપ્પા અનાક્કા વડક્કમ...!’
હોડીવાળો સમજયો નહીં, દક્ષિણી લુંગી પહેરેલો સીસમરંગી આદમીએ હિંદીમાં શરૂ કર્યું, ‘અય્યોયો, બ્રધર! તુમ રૂક જાઓ! હમ કો ભી બોટ મેં બઇઠા લો ના! હમ સાઉથસે આયા... હમ રૂકેગા નહીં... કલ મોર્નિંગમેં હમ ચલા જાયેગા... પ્લીઝ...’ હોડીવાળાને દયા આવી ગઇ. સીસમ જેવો કાળો પુરુષ એકલો ન હતો. બાજુમાં એની સીસમડી પણ ઊભી હતી. એક દસ-બાર વરસનો હાથીના મદનિયા જેવો છોકરો પણ હતો. અને છેક પાછળ વીસેક વર્ષની એક યુવતી. એ હતી તો ઘઉંવણીઁ. કદાચ એકાદ ‘શેડ’ જેટલી શ્યામ પણ ગણી શકાય, પરંતુ કુટુંબની સરખામણીમાં એની ત્વચા ઉજળી લાગતી હતી.
આશિકને ડર લાગ્યો કે વધારાનાં ચાર જણાંને કારણે કદાચ ‘બોટ’ ડૂબી જશે. એટલે એણે મનાઇ ફરમાવી દીધી. હોડીવાળો અટકી ગયો. પેલો કાળો સાઉથ ઇન્ડિયન ઝઘડવાના અંદાજમાં બબડવા માંડ્યો.આશિકને એની ભાષા તો ન સમજાઇ, પણ બરાબર હોડી ઊપડવાની ક્ષણે પેલી યુવતીનો અવાજ સંભળાયો, ‘એક્સકયુઝ મી, જેન્ટલમેન! મૈંને તો સૂના થા કિ ગુજરાત કે લોગ બહોત અચ્છે હોતે હૈ! આપકી મહેમાન-નવાઝી કે ચચેઁ તો પૂરી દુનિયા મેં મશહૂર હૈ. ક્યા યે હી હૈ આપકી... આતિથ્ય ભાવના...’
આશિક ઘા ખાઇ ગયો. આ દક્ષિણ ભારતીય પરિવારની છોકરી આટલા સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારોમાં હિન્દી-ઉર્દૂમાં શી રીતે વાત કરી શકે?! આઘાતમાંથી બહાર નીકળવા માટે હોડી ડૂબવાનો ભય રજૂ કર્યો. પણ પેલી કોમલાંગી અટલ રહી, ‘અરે, ડૂબેંગે તો હમ સબ ડૂબેંગે! ગુજરાત કા જવાન ડુબનેસે ડરતા હૈ ક્યા?’
‘ઠીક હૈ, સબ કો હોડી મેં બિઠા દો, ભૈયા!’ આશિકે હોડીવાળાને લીલી ઝંડી દર્શાવી દીધી. ચારેય પેસેન્જરો લાકડાના પાટિયા પર થઇને હોડીમાં આવી ગયા. પણ અંદર બેસવાની તો જગ્યા જ ક્યાં હતી! નૌકાચાલકે સમતુલન જાળવવા માટે ચારેય પ્રવાસીઓને ચાર ખૂણે ઊભા રાખી દીધા. એમાં આશિક ફાવી ગયો. પેલી યુવતી એના જ ભાગમાં લખાઇ હશે, એ જ ખૂણો એના ફાળે આવ્યો. હોડી જળસપાટી પર સરકવા માંડી, પહાડોની હાથતાળી દઇને ફેંકાતો ઠંડો પવન આહ્લાદક લાગતો હતો, એમાં ભળી દસ્યુસુંદરીના દેહમાંથી ફોરતી મિશ્ર સુગંધ.
કાળા ભમ્મર કેશમાંથી ઊઠતી કોપરેલી ગંધ, કોમળ હથેળીઓમાંથી જન્મતી મેંદીની કડવી વાસ અને આ બધાંને છાઇ દેતી કોઇ અજાણ્યા પર્ફ્યૂમની માદક મહેક. આશિક પૂછી બેઠો, ‘આપ બહોત મહેંગા પર્ફ્યૂમ ઇસ્તેમાલ કરતી હો...’ યુવતી ભડકી ગઇ, ‘પર્ફ્યૂમ? ના બાબા ના! મૈંને કોઇ પર્ફ્યૂમ નહીં લગાયા હૈ, હાઇ હેઇટ આર્ટિફિશિયલ ફ્રેગ્રનસ...!’
આશિક સ્તબ્ધ થઇ ગયો, જો આ સુગંધ પર્ફ્યૂમની નહોતી તો પછી શેની હતી?! આ શ્યામલ સુંદરીની તરબતર કાયામાંથી ફેલાતી દેહસુગંધ હતી? એ જ ક્ષણે આશિકે નિર્ધારકરી લીધો કે જો પરણવું તો આ સુગંધના દરિયાને જ! નહીંતર જિંદગીભર કુંવારા રહેવું. થોડી પળો વીત્યાં પછી એણે સુગંધી છોડને એનું નામ પૂછ્યું. જવાબ મળ્યો, ‘અનુષ્કા સુબ્રમણ્યમ.’
‘કહાંસે આયે હો?’ આશિકના આ સવાલના જવાબમાં અડધો દેશ સમાઇ જતો હતો, ‘મેરી માં ઓરિસ્સાસે હૈ. પિતાજી કેરાલા કે હૈ. ભાઇ વિશાખાપટ્ટનમ્ મેં પઢાઇકરતા હૈ... ઔર મૈં મુંબઇ મેં ગ્રેજ્યુએશન કરતી હૂં. આપ?’ વાતો થતી રહી. નૌકાવિહાર પૂર્ણ કરીને જ્યારે આશિક એના મુકામ તરફ જવા નીકળ્યો, ત્યારે એને ખબર પડી કે સુબ્રમણ્યમ પરિવાર પણ એ જ સરકારી ગેસ્ટ હાઉસમાં ઊતરેલો હતો. બંને રૂમો વચ્ચે ફક્ત એક ખાંચા જેટલું જ અંતર હતું. રાત્રિભોજન પતાવીને આશિક બહાર લટાર મારવા નીકળી પડ્યો. અતિથિગૃહની લાઉન્જમાં પડેલા સોફામાં અનુષ્કા બેઠી હતી અને અંગ્રેજી અખબાર વાંચી રહી હતી.
‘હાય, અબ તક સોઇ નહીં...?’ આશિકે પૂછ્યું.‘નીંદ નહીં આ રહી હૈ, મુજે દેર રાત તક જાગને કી આદત હૈ!’ અનુષ્કા હસી રહી. એ હાસ્યના નિર્મળ ધોધમાં પવિત્ર સ્નાન કરવાની લાલચ કોણ રોકી શકે? આશિકે ત્યાં જ આસન જમાવી દીધું. રાત્રિના બે વાગ્યા સુધી બંને વાતો કરતાં રહ્યાં. આશિક જાણતો હતો કે એની પાસે સમય ખૂબ ઓછો છે, માટે એણે સીધું જ પૂછી લીધું, ‘અનુષ્કા, મુઝે તુમ અચ્છી લગતી હો. મૈં જાન ચૂકા હૂં કિ તુમ ભી મુઝે પસંદ કરને લગી હો.
ક્યા હમ એક-દૂસરે કે સાથ લગ્ન કર સકતે હૈ?’ અનુષ્કા ભણેલી-ગણેલી હતી, તેમ છતાં પૂરેપૂરી ભારતીય દીકરી સાબિત થઇને ઊભી રહી, ‘મૈં ક્યા બોલું? તુમ મેરે મધર-ફાધરસે બાત કરો!’ બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ ઉપર આશિકનાં મમ્મી-પપ્પા અને અનુષ્કાનાં મમ્મી-પપ્પા મળ્યાં, સાથે બેઠાં અને નિખાલસ વાતાવરણમાં ચર્ચા કરી. આશિકના પપ્પાએ જણાવી દીધું, ‘અમે સાવ નાનકડા ગામમાં રહીએ છીએ. ખેતીવાડી છે. ખાધે-પીધે ખૂબ સુખી છીએ.
અમારો દીકરો ઉચ્ચ શિક્ષણ પામેલો છે, ભવિષ્યમાં મોટા શહેરમાં ગોઠવાઇ જશે, પણ અત્યારે અમારા ગ્રામીણ વાતાવરણને જોઇને કોઇ ભણેલી છોકરી એની સાથે પોતાનું જીવન જોડવા તૈયાર નહીં થાય. આટલી વાત અમારી મજબૂરીની, બાકી તો તમારી દીકરી અમને બધાંને ગમી ગઇ છે એ જ મોટી વાત છે.’ અનુષ્કાના પપ્પા પણ કાચ જેવા પારદર્શક નીકળ્યા, ‘મજબૂર તો હમ હૈ, સાહબ! હમારી અનુષ્કા સર્વગુણસંપન્ન હૈ, ફિર ભી અચ્છે લડકે કે લિયે હમેં ‘ડાવરી’ દેની પડેગી, કમ સે કમ પચીસ-તીસ લાખ...’
બે નાની-નાની મજબૂરીઓ અને મોટી-મોટી મહોબ્બત બે પરિવારોને જોડી ગઇ. એક-મેકનાં સરનામાં અને ટેલિફોન નંબરો અપાઇ ગયાં, લેવાઇ ગયાં. એક વાર છોકરાવાળા દક્ષિણ જાત્રાએ જઇ આવ્યા, એક ફેરો કન્યાપક્ષવાળા સૌરાષ્ટ્રનો મારી ગયા. આશિકના પરિવારે એવું પ્રેમભર્યું સ્વાગત કર્યું કે પુરાણો દોહો સાચો પડીને ઊભો રહ્યો: ‘કાઠિયાવાડમાં કો’ક દી તું ભૂલો પડ ભગવાન, તારાં એવાં કરું સન્માન, તને સ્વર્ગ ભુલાવું શામળા.’
સુબ્રમણ્યમ્ પરિવારના તમામ ‘શામળાઓ’ રાજીના રેડ થઇ ગયા. સગાઇ થઇ ગઇ, લગ્ન થવામાં છે. ભારતદેશની વિવિધતામાં એકતાનું આ સાચું ઉદાહરણ. આ લેખ જ્યારે વંચાતો હશે ત્યારે આશિક એની મધુરજની ઊજવતો હશે. સુગંધનો દરિયો શૃંગારનાં મોજાં વડે સ્નેહના ખડકને ભીંજવી રહ્યો હશે.
(સત્ય ઘટના, નામફેર સાથે)
(શીર્ષક પંક્તિ : શૈલેશ પંડ્યા ‘ભીનાશ’)
No comments:
Post a Comment