Wednesday, January 5, 2011

શું અર્થ શ્રાવણનો તને સમજાયો નથી?

હું એક પારદર્શક પુરુષ છું અને માટે જ કહું છું કે તું મને ગમી ગઇ છે. અત્યારે તું ભલે ‘મિસ’ હોય, પણ આ મારું વચન છે: વિધિન એ વેરી શોર્ટ ટાઇમ, યુ વિલ બી મિસિસ અંદાઝ ઊનવાલા. બાય...’

મોટા ખાનગી કોર્પોરેટ હાઉસના રિસેપ્શન કાઉન્ટર ઉપર બિરાજેલી ખૂબસૂરત યુવતી પાસે આવીને અંદાઝે પૂછ્યું, ‘આઇ વોન્ટ ટુ સી મિ. ખન્ના. તમે મને કહી શકશો કે આ માટે મારે ક્યાં જવું જોઇએ?’‘અફકોર્સ, યસ!’ ઔપચારિક સ્મિતમાં જન્મજાત નજાકત ઉમેરીને રિસેપ્શનિસ્ટે જવાબ આપ્યો, ‘મિ. ખન્ના સીટ્સ ઇન ધી એચ.આર. ડિપાર્ટમેન્ટ. ફોર ધેટ, યુ હેવ ટુ ગો સ્ટ્રેઇટ... ધેન ટેઇક એ લેફ્ટ ટર્ન... ધેન...’ એ બોલતી ગઇ, પણ અંદાઝનું ધ્યાન ક્યાં એને સાંભળવામાં હતું? એ તો કુદરતના આ અનુપમ સર્જનને ધ્યાનથી નીરખવામાં મુગ્ધ અને મગ્ન બની ગયો હતો.

યુવતીએ બોલવાનું પૂરું કર્યું, એટલે અંદાઝે શરૂ કર્યું, ‘થેન્કસ! મેની મેની થેન્કસ! બાય ધી વે, તમારું નામ જાણી શકું?’‘સોરી! નામ આપવું મારા માટે ફરજિયાત નથી અને એ જાણવું તે તમારા માટે જરૂરી નથી.’‘માફ કરજો, મિસ, હું તમારી વાત સાથે સંમત નથી. આપણે નર્સરીમાં કોઇ શ્રેષ્ઠ ફૂલને જોઇએ છીએ ત્યારે એનું નામ અચૂક પૂછીએ છીએ. ફૂલ માટે એ જરૂરી નહીં હોય, પણ ફૂલના પ્રશંસક માટે એ ફરજિયાત બની જાય છે. તમારે નામ ન જણાવવું હોય તો તમારી મરજી! મને તો તમને જોઇને મોજ આવી ગઇ, માટે હું તો તમને મિસ મોજ કહીને બોલાવીશ.’

અંદાઝે જવા માટે પગ ઉપાડ્યો, ત્યાં જ યુવતીએ એને અટકાવ્યો, ‘મારું નામ કહી દઉં છું, આઇ એમ લિજ્જત. મિસ લિજ્જત લાખાણી...’‘વાહ! મારી ધારણા કેટલી સાચી પડી! મોજ કહો કે લિજ્જત, બધું એકનું એક જ થયું કે નહીં! થેન્કયુ! તમારું નામ જાણીને આનંદ થયો અને તમે હજુ સુધી ‘મિસ’ છો એ જાણીને વધારે આનંદ થયો. ચાલો, અત્યારે તો મિ. ખન્નાને મળવા આવ્યો છું, એટલે મારે જવું પડશે, પણ બહુ ઝડપથી એ દિવસ આવશે જ્યારે હું તમને મળવા આવીશ. બાય...!’ અંદાઝ કંઇક એવી દિલફેંક અદામાં આવું બોલીને વિદાય લઇ ગયો કે લિજ્જત વિચારમાં પડી ગઇ.

આ માણસ છેલબટાઉની જેમ વર્તતો હતો, પણ છેલબટાઉ લાગતો ન હતો. આ માણસ ફૂલનું નામ પૂછી રહ્યો હતો, પણ એ ભ્રમર જેવો ભાસતો ન હતો.એ લિજ્જતની ખૂબસૂરતીની ભરપૂર પ્રસંશા કરી ગયો, પણ હકીકતમાં એ ખુદ કંઇ ઓછો સોહામણો ન હતો. આવો હેન્ડસમ, સ્માર્ટ અને વાચાળ યુવાન જો કુંવારો હોય તો કોઇ પણ યુવતી માટે એ લાયક ઉમેદવાર બની શકે.

‘પણ એ કુંવારો છે કે નહીં એ પૂછવાનું તો રહી જ ગયું! લિજ્જત બબડી ઊઠી,’ માણસ સ્માર્ટ નીકળ્યો! હું કુંવારી છું એ તો જાણી ગયો, પણ પોતે પરણેલો છે કે કુંવારો એ...!’જગતમાં તમામ સવાલોના જવાબો હોય જ છે. લિજ્જતને પણ એના સવાલનો જવાબ મળી ગયો. મિ. ખન્નાને મળીને પાછો ફેરલો અંદાઝ રિસેપ્શન પાસે આવીને થંભ્યો, કાઉન્ટર ઉપર આંગળી વડે ટકોરા માર્યા અને માત્ર આટલું જ બોલ્યો, ‘હાય, લિજ્જત! હું એક પારદર્શક પુરુષ છું અને માટે જ કહું છું કે તું મને ગમી ગઇ છે. અત્યારે તું ભલે ‘મિસ’ હોય, પણ આ મારું વચન છે: વિધિન એ વેરી શોર્ટ ટાઇમ, યુ વિલ બી મિસિસ અંદાઝ ઊનવાલા. બાય...’

બે દિવસ માંડ પસાર થયા. લિજ્જત વિરહાગિ્નમાં સળગવા માંડી. ત્રીજા દિવસે અંદાઝનો ફોન આવ્યો, ‘હાય, સ્વીટી! મને યાદ કરે છે?’ એને પોતાનેય ખબર ન પડે એમ લિજ્જત બોલી ગઇ, ‘હા.’ પછી થડકતા હૈયે ઉમેર્યું, ‘તમે?’‘તને અહીં ભૂલ્યું છે જ કોણ, યુ સીલી ગર્લ? ચાલ, મારો મોબાઇલ નંબર ટપકાવી લે! અને તારો મોબાઇલ નંબર લખાવી દે! પ્રેમની વાતો આમ લેન્ડલાઇનમાં ન થઇ શકે.’

એ અઠવાડિયું એક સુનહરા સપનાની જેમ વીતી ગયું. લિજ્જત એક મધ્યમવર્ગીય પરિવારની કન્યા હતી. એની પાસે માતા તરફથી મળેલું અનુપમ સૌંદર્ય હતું અને પિતા તરફથી મળેલી બુદ્ધિમત્તા હતી. એ હંમેશાં ફર્સ્ટકલાસમાં પાસ થઇને ગ્રેજ્યુએટ થઇ હતી. એની ડિગ્રી, એની સંસ્કારિતા અને એના વ્યક્તિત્વે એને આટલી મોટી કંપનીમાં સારી નોકરી અપાવડાવી હતી. હવે એનાં પપ્પા-મમ્મીને તલાશ હતી એક સારા, સંસ્કારી મુરતિયાની. આવા સમયે અંદાઝે એના જીવનમાં પગ મૂક્યો.

‘અંદાઝ, એક વાત કહું? હવે હું તમારા વગર રહી નથી શકતી. આપણાં લગ્નનું કંઇક ગોઠવો ને! તમે મારાં મમ્મી-પપ્પાને મળવા આવો.’ લિજ્જતનાં મમ્મી-પપ્પા પણ અંદાઝને જોઇને ખુશ થઇ ગયાં. ધીમે-ધીમે વાતનું વહેણ લગ્નની દિશા તરફ વહેવા લાગ્યું. પપ્પા ઢીલા પડી ગયા, ‘ભાઈ, મારી પાસે ધામધૂમથી લગ્ન કરવા જેટલા પૈસા નથી.’

‘અહીં ધામધૂમ કરવી છે કોણે? રજિસ્ટર્ડ મેરેજ જેવું ઉત્તમ બીજું કશું જ નથી. જાનમાં તો વરરાજા એકલો જ છે. તમારે બીજા મહેમાનોને નોંતરવાની જરૂર ખરી?’ લગ્ન ઊજવાઇ ગયું અને ‘હનિમૂન’ પણ. રૂપાળા પતંગિયાનાં રૂપ, રસ અને રંગના ઘૂંટ ઉપર ઘૂંટ પી લીધા પછી ભમરાએ વાત મૂકી, ‘ડાર્લિંગ, હું તમારી ઓફિસમાં મિ. ખન્નાને મળવા આવેલો એ તો મારા ધંધાના વધુ વિકાસ અર્થે આવ્યો હતો, બાકી મારો મૂળ બિઝનેસ તો ભાવનગર ખાતે છે.

માટે મારે ત્રણ દિવસ અહીં રહેવું પડશે અને દર અઠવાડિયે ચાર દિવસ ભાવનગરમાં ધ્યાન આપવું પડશે. આખી જિંદગી લગભગ આવું ચાલ્યા કરશે. તને આમાં વાંધો નથી ને?’ જવાબમાં નવોઢા શરમાઇને પતિને વળગી પડી, ‘મને તો એટલી નિરાંત રહેશે, આ ત્રણ દિવસમાં જ તમે મને એવી થકાવી દો છો કે...’ અને અંદાઝે લિજ્જતને વધુ એક વાર થકાવી દીધી.

*** *** ***

ચોથા દિવસે ભાવનગર જતી બસમાં બેસી ગયા પછી અંદાઝે ફોન લગાડ્યો. એની પત્ની યામાએ કોલ રિસીવ કર્યો, ‘ક્યાં છો તમે, ડિયર?’‘બસમાં છું. ચારેક કલાકમાં પહોંચું છું. મુન્નો મજામાં છે ને? એક સારા સમાચાર આપું? અમદાવાદમાં બિઝનેસનું સારું ગોઠવાઇ ગયું છે. હવેથી મારે દર અઠવાડિયે ત્રણ દિવસ અહીં રહેવું પડશે. મને ખાવા-પીવાની તકલીફ તો પડશે, પણ એક જગ્યાએ બધું ગોઠવાઇ ગયું છે. ચાલ, ત્યારે! રાત સુધીમાં પહોંચું છું. થાક્યો તો હોઇશ જ, પણ તોયે તને થકાવી નાખવા જેટલી તાકાત તો બચી છે મારામાં!’

No comments: