દિલ્હીથી આકાશ હતો, મને ભીના અને ભાંગેલા અવાજે કરગરતો હતો, ‘બહનજી, આપકી સહેલી કો સમજાઇયે ના! વો મુજસે ડિવોર્સ લેના ચાહતી હૈ.’
‘મારું નામ શ્રાવણી. આજથી અઢાર વર્ષ પહેલાં મારું લગ્ન થયું. હું અને અભિસાર ‘હનિમૂન’ માટે મસૂરી ગયાં હતાં. એક નમતી બપોરે અમારો ગાઇડ અમને જોવાલાયક સ્થળોની મુલાકાતે લઇ ગયો. અમે કુલ ત્રીસેક જણાં હોઇશું. બધાં અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા પર્યટકો. ભાષા જુદી, વર્ણ જુદા, ખાન-પાનની ટેવો જુદી, સરખાપણું માત્ર એક જ વાતનું. બધાં તાજા જ પરણીને ‘હનિમૂન ટૂર’ ઉપર આવ્યા હતા.’ આટલું બોલીને મારી સામે બેઠેલી શ્રાવણી શ્વાસ ખાવા માટે થંભી ગઇ. મારે કંઇ જ બોલવું ન હતું.
જિંદગીમાં પહેલી વાર કોઇ વાચક સ્ત્રી ચોટદાર અભિવ્યક્તિ સાથે મજબૂત કથાબીજ લઇને મારી પાસે આવી હતી. મારે એની વાતને ત્રીજા પુરુષ એકવચનમાં લઇ જવાની જરૂર ન હતી. માટે આજની આ કથાને મેં શ્રાવણીમાં રહેલા પહેલા પુરુષ એક વચનમાં જ વહેવા દીધી છે.
આજે તો હું છત્રીસ વર્ષની છું, પણ ત્યારે ફક્ત અઢારની હતી. કાયા ઉપર જુવાની ઝળુંબતી હતી અને નમણાશ મઢયા ચહેરા ઉપર લજજાનો મેકઅપ હતો. હું ને અભિસાર એક રેલિંગને અઢેલીને ઢળતા સૂરજને નિરખી રહ્યાં હતાં, ત્યાં અચાનક ટોળામાંનો એક સ્માર્ટ યુવાન અમારી પાસે આવ્યો. મને ઉદ્દેશીને બોલ્યો, ‘માફ કરના, મૈં યે પૂછને આયા હૂં કિ આપ આગ્રાસે હૈં ક્યા?’હું માથું હલાવીને બોલી, ‘બિલકુલ નહીં. હમ તો અહમદાબાદસે હૈ.’
‘આપ ગુજરાતી બોલતે હૈ વો તો મૈં સૂન ચૂકા હૂં, લૈકિન....’ એણે માથું ખંજવાળ્યું, ‘મેરી વાઇફ કહેતી હૈ કિ ઉસને આપકો કઇ બાર દેખા હૈ... આગ્રા મેં... વોહ આગ્રા મેં પલી હુંઇ હૈ... ક્ષમા ચાહતા હૂંં. મૈંને આપકો ‘ડિસ્ટર્બ’ કિયા.’ત્યાં સુધીમાં એની પત્ની પણ આવી ગઇ. અને અમારી દોસ્તી જામી ગઇ. એ લોકોનું પણ હનિમૂન કપલ હતું. નામ હતાં: કિતાબ અને આકાશ. આકાશ દિલ્હીનો હતો, કિતાબ આગ્રાની. આકાશ લાલ કિલ્લા જેવો સંગીન હતો અને કિતાબ તાજમહેલ જેવી ખૂબસૂરત. કિતાબ અડધું-પડધું ગુજરાતી બોલી શકતી હતી. એની માસી અમદાવાદમાં રહેતી હતી માટે.
‘તુમ ક્યાં ઠહેરી છો? હમ તો ‘હોટલ આવકાર’માં ઠહરેલાં છે. એણે મને પૂછ્યું. મેં અમારાવાળી હોટલનું નામ આપ્યું. એ રાતનું ડિનર અમે ચાર જણાંએ સાથે જ લીધું. બીજા દિવસની સવારે કિતાબ અને આકાશ ‘ચેકઆઉટ’ કરીને સામાન સાથે અમારી સાથે રહેવા માટે આવી ગયાં. બાજુના જ કમરામાં.’
આકાશ બહુ નિખાલસ હતો એ તરત જણાઇ આવ્યું. મને કહે, ‘બહનજી, તુમ્હારે જૈસી કોઇ લડકી શાયદ આગ્રા મેં રહતી થી, ઇસ ગલતફહેમીને મેરી તો વાટ લગા દી ના! વો હોટેલ મેં કમરે કા કિરાયા ચાર સૌ રૂપયે થા, યહાં કા સાત સૌ રૂપયા હૈ! ક્યા કરે? પ્યાર કે ખાતીર સબ કુછ કરના પડતા હૈ!’
એ સાચું બોલતો હતો. કિતાબને એ અહંની સરહદ ઓળંગીને ચાહતો હતો. એ સાંજે રખડપટ્ટી પતાવીને અમે ‘હોટેલ’ પર આવ્યાં, ત્યારે કિતાબે પગ દુખતા હોવાની શિકાયત કરી. આકાશ તરત જ એના પગ દબાવવા માંડ્યો. અમારી હાજરીને કારણે કિતાબ શરમાઇ ગઇ, ‘યે ક્યા કરો છો? શ્રાવણી ક્યા સોચશે?’
‘અરે, શ્રાવણીજી કુછ નહીં સોચેગી! વો ભી તો અભિસારસે અપને પાંવ દબવાતી હોંગી.’ પણ કિતાબે ઝટકા સાથે પગ ખેંચી લીધા. ત્યારે મને પહેલીવાર લાગ્યું કે ક્યાંક ક્યાંક અજુગતું છે. કિતાબના પગ પાછા ખેંચવાની રીતમાં શરમની સહજતાને બદલે બીજી કંઇક રુક્ષતા વર્તાઇ રહી હતી. પણ એ દિવસો યાદગાર બની રહ્યા. અમે જન્માંતરોની સખીઓ હોઇએ એવી ગાઢ નિકટતા રચાઇ ગઇ. ત્રીજા દિવસે તો કિતાબે પોતાનો સૌથી સુંદર અને કીમતી ડ્રેસ મને પહેરવા માટે આપી દીધો. મેં આનાકાની કરી, તો એ જીદ પર ઊતરી આવી, ‘નહીં, આ તો તુજે પહેનના હી પડેગા. મૈં દેખવા ચાહું છું કિ તું ઇસ સલવાર-કમીઝ મેં કેવી લગતી હૈ.’
પૂરા દસ દિવસ અમે સાથે રહ્યાં, સાથે ફયાઁ અને પછી છુટાં પડ્યાં. એકાદ વર્ષ સુધી અમારો પત્ર-વ્યવહાર ટકી રહ્યો. પછી બંધ પડી ગયો. બીજા છ એક મહિના વીત્યા, ત્યારે અચાનક મારી ઉપર ફોન આવ્યો. દિલ્હીથી આકાશ હતો, મને ભીના અને ભાંગેલા અવાજે કરગરતો હતો, ‘બહનજી, આપકી સહેલી કો સમજાઇયે ના! વો મુજસે ડિવોર્સ લેના ચાહતી હૈ.’
હું સ્તબ્ધ, ‘અરે! કિતાબ ઐસા કૈસે કર સકતી હૈ? ઉસે ફોન દજિીયે. મૈં બાત કરતી હૂં.’આકાશ નખશિખ સજ્જન નીકળ્યો. રિસીવર પત્નીના હાથમાં થમાવી દઇને એ ઘરની બહાર નીકળી ગયો, જેથી કિતાબને દિલ ખોલતાં ખચકાટ ન થાય. શરૂમાં તો કિતાબે દિલ ન ખોલ્યું. ‘બસ, કોઇ ખાસ વજહ નથી. એ ખૂબ અચ્છા પતિ હૈ, પરંતુ... હું એને વો ચીજ નથી દે સકતી જે એને જોઇએ છે.’
પછી મારા સવાલોના ધોધમાર વરસાદ સામે એ ઝીક ન ઝીલી શકી. બોલી ગઇ. વાત આમ હતી: કિતાબ લગ્ન પહેલાં અનુજ નામના એક યુવાનના પ્રેમમાં હતી. અનુજ આગ્રાનો જ હતો. બંને કોલેજમાં સાથે ભણતાં હતાં. જ્ઞાતભિેદના કારણે કિતાબનાં મમ્મી-પપ્પાએ એમનાં લગ્ન ન થવા દીધાં. પ્રેમની રાખ ઉપરથી પસાર થઇને કિતાબે પરણી જવું પડ્યું.
‘આકાશ ખૂબ અચ્છા હૈ, લૈકિન મૈં એને આજ દિન તક મારી પાસે આવવા નથી દીધો. બેચારા કહાં તક આવી જિંદગી ગુજારી શકશે! ઇસસે તો અચ્છા હૈ કિ હું ડિવોર્સ લઇને છુટ્ટી થઇ જાઉં અને ઉસકો ભી છુટ્ટા કરી દઉં!’હું તદ્દન ડઘાઇ ગઇ હતી, પણ મારા પતિ અભિસાર મારી મદદે આવ્યા. અમારી વાતચીત અડધી જ સાંભળીને એમણે આખી ને સાચી સલાહ આપી દીધી, ‘શ્રાવણી, તારી બહેનપણી સાચી છે. આકાશ ક્યારેય એને પામી નહીં શકે. એ બંનેનું ભલું છુટાં પડી જવામાં જ રહેલું છે.’મારા પતિની સલાહ કિતાબના પતિ સુધી પહોંચી શકી. ટૂંક સમયમાં એમના ડિવોર્સ થઇ ગયા. એક ખૂબસૂરત કિતાબનું બદસૂરત પ્રકરણ પૂરું થઇ ગયું.
બીજું પ્રકરણ બીજા જ મહિને શરૂ થયું. કિતાબનો પત્ર આવ્યો, ‘દીદી, એક ખુશખબરી હૈ. મૈને દૂસરી શાદી કરી લીધી છે. અનુજની સાથે. એ હજુ સુધી કંવારો જ બેઠો હતો. મારા પૂરા પરિવારે મારી સાથેનો નાતો કાપી નાખ્યો છે. પરંતુ મુજકો જરા બી અફસોસ નથી. અનુજ મિલ ગયા તો મને પૂરી દુનિયા મિલ ગઇ હૈ.’
મને થયું કે ચાલો ત્યારે, આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું! આકાશે પણ બીજું લગ્ન કરી લીધું હતું. અમારો સંપર્ક હવે પાંખો થઇ ગયો હતો. એક દિવસ મેં આગ્રામાં કિતાબના ઘરનો ફોન લગાડ્યો. એ દિવસે એનો બર્થ-ડે હતો. મેં ‘વિશ’ કર્યા પછી એને પૂછ્યું, ‘કિતાબ, તારો અવાજ કેમ ઉદાસ લાગે છે? અનુજની સાથે તું ખુશ તો છો ને?’જવાબમાં કિતાબે અરબી સમુદ્ર જેટલો ઊંડો નિસાસો નાખ્યો, ‘દીદી! શું કહું? આસમાન સે લટકે તો ખજૂર પે અટકે!’હું આનો મતલબ ન સમજી શકી, ‘એટલે? તારા બીજા લગ્નને પણ બે વર્ષ થવા આવ્યા, કિતાબ! કોઇ સારા સમાચાર છે કે નહીં?’ જવાબમાં કિતાબે ફોન કાપી નાખ્યો. મને આછી-આછી સમજ પડી ગઇ, નક્કી અનુજ એને ખૂબ સારી રીતે રાખતો તો હશે જ, પણ સંતાનસુખ નથી એટલે કિતાબ આવું બોલી ગઇ હશે.
બીજા બે વર્ષ પસાર થઇ ગયાં. એક દિવસ એ સમાચાર પણ મળ્યા. ફોનના દોરડામાં થઇને કિતાબનો આનંદ મારા કાનમાં ઠલવાતો હતો, ‘દીદી! પંદ્રહ દિવસ પહેલાં મને બેટો પેદા થયો છે. હવે હું ખૂબ ખુશ છું. મારો પતિ અનાગત પણ બહોત ખુશ હૈ.’‘અનાગત?!?’ હું ચમકી ઊઠી, ‘કિતાબ, તારા પ્રેમી-પતિનું નામ તો અનુજ છે ને? આ અનાગત વળી ક્યાંથી ટપકી પડ્યો?’કિતાબનો સ્વર ઢીલો પડી ગયો, ‘દીદી, અનુજ મને પ્યાર તો કરતા થા, લૈકીન... વો ‘ગે’ નીકલા! એને મારી કાયામાં રસ નહીં થા. ઉસકા દોસ્તાના કોઇ મર્દ કે સાથ થા! ના છુટકે, બે-અઢી વર્ષ તડપી-તડપીને નિકાલને કે બાદ મૈંને ડિવોર્સ લે લિયા.
આકાશને મેં તડપાવ્યો હતો એ પાપનો બદલો ઇશ્વરે મને વ્યાજ કે સાથ આપી દીધો. હવે અનાગત મારો ત્રીજો પતિ છે. એ ન તો હેન્ડસમ છે, ન એ મને પ્યાર કરે છે. પણ એ દયાવાન છે. મારાથી પંદ્રહ સાલ મોટો છે. હું એની સાથે સુખી તો નહીં હૂં, લૈકિન સંતોષી જરૂર હૂં.’મારી સામે બેઠેલી શ્રવાણીએ આ સત્યકથા સમાપ્ત કરી. કિતાબ એક ખૂબસૂરત યુવતી, પણ બદસૂરત કિતાબ સાબિત થઇ હતી, જેના ભાગ્યમાં એક પતિ હતો, અને એ પ્રેમી હતો, એક પ્રેમી હતો, પણ એ પુરુષ ન હતો, છેવટે એને એક પુરુષ મળ્યો જે પતિ તો થયો, પણ પ્રેમી ન થઇ શક્યો.
(શીર્ષક પંક્તિ : હિતેન આનંદપરા)
No comments:
Post a Comment