મારે બિઝનેસ મિટિંગ માટે દર મહિને ચાર-પાંચ વાર બહારગામ જવું પડે છે. મુંબઇ, ચેન્નઇ, કોલકાતા, દિલ્હી...! મને એકલા હાથે આ બધું સંભાળવામાં બહુ તકલીફો પડે છે. વ્હાય ડોન્ટ યુ કમ વિથ મી?
બેકરાર બિલવાણી શાનદાર કારમાંથી શાનદાર સૂટ-બૂટ સાથે શાનપૂર્વક નીચે ઊતર્યો, એક ગર્વભરી નજર એણે ઊભી કરેલી કંપનીના બોર્ડ તરફ ફેંકી, પછી બબડ્યો: ‘બિલવાણી ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ!’ આજથી માત્ર છ વરસ પહેલાં આ જગ્યાએ અઢીસો ફીટની ઓરડીમાં મેં ટ્રેડિઁગનો કક્કો ઘૂંટવાની શરૂઆત કરેલી, આજે વાર્ષિક અઢી હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી વિશાળ કંપનીનો માલિક બની ગયો છું. યસ, ધીસ ઇઝ સમ એચિવમેન્ટ! મિ. બેકરાર, હવે તમારા દિલને કરાર જ કરાર છે! એશ કરો!’
લિફ્ટમાં પ્રવેશીને બેકરાર આઠમા માળે આવેલી પોતાની ઓફિસમાં પહોંચ્યો. એરકન્ડિશન્ડ ઓફિસની આરામદાયક ચેરમાં બિરાજીને એણે સિગારેટનું પાકીટ હાથમાં લીધું. પાંચસો પંચાવન બ્રાન્ડની સિગાર સળગાવી. એક હજાર એક્સો અગિયાર બ્રાન્ડનો ધુમાડો કાઢીને હવામાં ફેંકયો. પછી ઘંટડી મારી. વિટ્ઠલ દોડી આવ્યો, ‘હુકમ, માલિક?’‘પેલી નવી છોકરી છે ને? શું નામ છે એનું? હજુ ચાર દિવસ પહેલાં જ નોકરીમાં રાખી છે...’
‘બિછાતબે’ન?’‘અરે, બહેન હોગી તેરી! જા, બહાર જઇને એને અંદર મોકલ! કામ પર રાખી જ છે, તો હવે કામ લેવાનું શરૂ કરવું પડશે ને?’ કહીને બેકરાર બદમાશીભર્યું હસ્યો. વિટ્ઠલ એનો વફાદાર પટાવાળો હતો. માલિકની તમામ બદમાશીઓનો એ ખામોશ રાઝદાર હતો. એ સમજી ગયો કે પહેલાંની તમામ છોકરીઓની જેમ આ નવી છોકરીનું પણ હવે આવી બન્યું સમજવું.
થોડીવારમાં બિછાત આવી. ‘મેં આઇ કમ ઇન, સર?’ કહીને ઊભી રહી. બેકરાર મોંમાંથી ધુમાડો અને આંખોમાંથી વિકાર છોડતો એને તાકી રહ્યો.‘વાહ! આ વાયોલેટ રંગનું સ્કર્ટ અને આ બ્લૂ ટી-શર્ટ તમને ખૂબ શોભે છે. પણ એક સજેશન આપું? આ સ્કર્ટ જરાક લાંબું છે, એને બદલે જો ચાર-પાંચ ઇંચ જેટલું ટૂંકું હોત... તો...! આવું મારે એટલા માટે કહેવું પડે છે... કારણ કે... યુ હેવ ગોટ એ બ્યુટિફુલ પેર ઓફ લેગ્ઝ...’ બેકરારની નજર જાણે ભાલાની જેમ સ્કર્ટની આરપાર બિછાતની પુષ્ટ, ગૌર જંઘાઓને વીંધી રહી હતી!
‘થેન્ક યુ, સર!’ મનમાં ઊભરતી ચીડને શમાવીને બિછાતે વાત બદલાની કોશિશ કરી, ‘આપ મને અંદર બોલાવી... કંઇ કામ હતું, સર?’‘યસ, કામ હોય ત્યારે જ તમને અંદર બોલાવ્યાં હશે ને! બટ ટેલ મી વન થિંગ, તમને એ વાતની ખબર છે કે ‘કામ’ શબ્દના કેટલા અર્થ નીકળે છે?’ બેકરાર કામેચ્છાભર્યું હસ્યો.
‘નો, સર!’ બિછાત સમજી ગઇ હોવા છતાં અજાણી બની ગઇ.‘નાઇસ! મને આ ગમ્યું. આઇ લાઇક સચ રો સ્ટફ! મને આવી છોકરીઓ પસંદ છે જેમને બધું એકડે એકથી શીખવવું પડતું હોય. મને કોરી સ્લેટ ઉપર અક્ષરો પાડવા ગમે છે. ચાલો, હું તમને ‘હોમવર્ક’ આપું છું, આવતી કાલ સુધીમાં તમારે એ શીખી લાવવાનું છે કે ‘કામ’ શબ્દના જુદા-જુદા કેટલા અર્થો થાય છે! યુ કેન ગો નાઉ!’ બેકરારે પ્રારંભિક ‘ડોઝ’ પૂરો કરીને શિકારને વિદાય આપી દીધી. એ પીઢ શિકારી હતો અને એને ખબર હતી કે નવી છોકરીને પહેલી મુલાકાતમાં ‘ઓવરડોઝ’ ન આપવો જોઇએ.
બિછાત નવી ભલે હતી, પણ ચાલાક હતી. એ પણ સમજી ગઇ હતી કે એના બોસના મનમાં શું ચાલી રહ્યું હતું! એ ચારિત્રયની બાબતમાં શુદ્ધ હતી, એનું ચાલતું તો એ જ સમયે એણે બેકરારના ગાલ પર તમાચો ઝીંકીને નોકરી છોડી દીધી હોત. પરંતુ એ મજબૂરીની કૂખમાંથી જન્મેલું સૌંદર્ય હતું. ઘરે ખાટલામાં ખાંસતો બાપ એના ગોરા-ગોરા પગમાં પડેલી બેડી જેવો હતો, કૃશકાય મા એની નાજુક કલાઇમાં પડેલી હાથકડી જેવી હતી અને નાનાં ભાઇ-બહેન એને કોઇ પણ ખુમારીભર્યું પગલું ભરતાં અટકાવી રહ્યા હતા.
બે દિવસ શાંતિથી પસાર થયા, ત્રીજા દિવસે બેકરારે ફરી પાછો એની બદદાનતનો પટારો ખોલી નાખ્યો, ‘બિછાત, મેં તમને કેટલો પગાર આપવાનું કબૂલ્યું છે? આઇ થિંક, પાંચ હજાર!’‘યસ, સર!’‘બહુ નાની રકમ કે’વાય, નહીં? આટલામાં તો આવી મોંઘવારીમાં શું થાય!’‘જી!’ બિછાતની છઢ્ઢી ઇન્દ્રિય એને કહેતી હતી કે માલિકની વાત કઇ દિશામાં જઇ રહી હતી.
‘પણ શું કરું? ઓફિસમાં તમારા ભાગે આવતું કામ પણ સાવ ઓછું છે. આટલા કામના બદલામાં પાંચ હજારનો પગાર પણ વધારે કે’વાય. આપણે એક કામ કરીએ, હું તમારો પગાર પણ વધારી આપું અને કામ પણ...’‘જી, હું સમજી નહીં, સર!’‘સમજાવું! મારે બિઝનેસ મિટિંગ માટે દર મહિને ચાર-પાંચ વાર બહારગામ જવું પડે છે. મુંબઇ, ચેન્નઇ, કોલકાતા, દિલ્હી...! મને એકલા હાથે આ બધું સંભાળવામાં બહુ તકલીફો પડે છે. વ્હાય ડોન્ટ યુ કમ વિથ મી?’‘સર, હું આપની સાથે કેવી રીતે આવી શકું?’
‘આવી શકાય... અને... આવવું પડે, જો કારકિર્દીમાં પ્રગતિ કરવી હોય તો! તમને તકલીફ નહીં પડવા દઉં. મારી સાથે જ ફ્લાઇટમાં પ્રવાસ કરવાનો. હું જે હોટલમાં ઊતરું ત્યાં જ તમારે પણ રહેવાનું. લંચ ડિનર બધું સાથે જ...! અને તમારો પગાર પણ પાંચને બદલે પંદર હજાર થઇ જશે.’
‘સર, મારા જેવી સામાન્ય છોકરી માટે આપ આટલો બધો ખર્ચ કરશો?’‘ત્યાં જ તારી ભૂલ થાય છે, બે વાતની ચોખવટ કરી લઉં. પહેલી વાત કે તું સામાન્ય છોકરી નથી. તું કેટલી સુંદર છે એ મને નક્કી કરવા દે! બીજી વાત, હું પૈસા વાપરી જાણું છું તેમ બચાવી પણ જાણું છું.’
‘એ કેવી રીતે?’‘જે હોટલમાં આપણે રોકાઇશું, ત્યાં રૂમના ભાડા ‘અધધધ’ જેવા હશે. હું એમાં કરકસર કરીશ. બે રૂમને બદલે એક જ રૂમ...!’ પછી તરસ્યા હોઠો પર લાલચભરી જીભ ફેરવીને કહી દીધું, ‘મને ખબર છે કે તને આ વાત કદાચ નહીં ગમે, પણ બિછાત, હું તારા ઘરની પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવી ચૂકયો છું.
મારી વાત ન માનવા માટે તારી પાસે કોઇ ગુંજાઇશ નથી. આ એક સોદો છે, પેપર કરન્સીના બદલામાં લેધર કરન્સીનો સોદો. ધનવાન પુરુષો પાસે કરન્સી નોટ્સ હોય છે અને મજબૂર છોકરીઓ પાસે સુંવાળી ત્વચા. આ ત્વચા ઉર્ફે ચામડી ઉર્ફે લેધર એ વિશ્વનું સૌથી મૂલ્યવાન ચલણ ગણાય છે. સો બી રેડી, બિછાત, આ વીક એન્ડમાં તારે મારી સાથે આવવાનું છે.’
બિછાત માથું હલાવીને નીકળી ગઇ. એ મજબૂર હતી, પોતાની નજર સામે જાતને બરબાદ થતી જોઇ શકતી હતી, પણ એને અટકાવી શકતી ન હતી. એણે પોતાની જિંદગીને નસીબના હવાલે કરી દીધી. હવે માત્ર વિધાતા જ એને બચાવી શકે, બીજુ કોઇ નહીં!
*** *** ***
‘બેટા, તું જન્મ્યો એની પહેલાં અમારે એક દીકરી પણ હતી, તારી મોટી બહેન! યાદ છે તને?’ વીક એન્ડના આગલા દિવસે બેકરાર એના પપ્પા સાથે બેઠો હતો, ત્યારે વૃદ્ધ બાપે વાત કાઢી.‘હા, આછું-આછું યાદ આવે છે મને. અમારી વચ્ચે દસ-બાર વરસનો તફાવત હતો. બધું તો યાદ નથી, પણ એટલું યાદ છે કે પિન્કીદીદી દેખાવમાં બહુ સુંદર હતી અને અઢારેક વરસની ભરજુવાનીમાં અકસ્માતમાં મૃત્યુ પામી..’
‘એ અકસ્માત નહોતો, દીકરા, આપઘાત હતો. ત્યારે આપણી સ્થિતિ કંગાળ હતી. પિન્કી અને તારા અભ્યાસ માટેના પૈસાયે મારી પાસે ન હતા. પિન્કી ભણવાની સાથે એક ખાનગી કંપનીમાં પાર્ટટાઇમ નોકરી કરતી હતી. એમાં એના માલિકે એક દિવસ લાગ જોઇને એને...! પિન્કી બહુ સારી છોકરી હતી, બેટા! ઘરે આવવાને બદલે ટ્રેનના પાટા ઉપર જઇને સૂઇ ગઇ. આટલા વરસે પાછી મને એ યાદ આવી ગઇ. શા માટે એ કહું? આજે બપોરે હું તારી ઓફિસમાં આવ્યો હતો.
તું હાજર ન હતો. બહાર એક છોકરી બેઠી હતી. બિછાત નામની. મેં એને પહેલીવાર જોઇ. પણ હું જોતો જ રહી ગયો. એ જ નાક-નકશો. એ જ આંખો. એ જ ભોળપણ. બીજી પિન્કી જોઇ લો! દીકરા, તને એક જ ભલામણ કરું છું, એ છોકરીના રૂપમાં આપણી પિન્કી પાછી આવી છે. એને સાચવજે! આટલું કહીને પિતા રડી પડ્યા. બેકરારે ત્યારે ને ત્યારે ફોન લગાડ્યો, ‘બિછાત, મને માફ કરજે, બે’ન! તારે માત્ર ઓફિસ વર્ક જ કરવાનું રહેશે. તને પૂરતો પગાર આપવામાં આવશે. આજ પછી માત્ર તું જ નહીં, ઓફિસમાં કામ કરતી તમામ બહેનો મારે મન... પિન્કી દીદી...’
No comments:
Post a Comment